Search This Blog

Friday, December 9, 2011

લે ! - - અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

- અમૃત ‘ઘાયલ’

ઘેરો થયો ગુલાલ - જવાહર બક્ષી

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે, - - ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

- ભગવતીકુમાર શર્મા

કેમ છે? - નયન દેસાઈ

હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?

કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?

કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.

એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.

- નયન દેસાઈ

અમે ચુપ થઈ ગયાં છીએ – મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

- જગદીશ જોષી

થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

- શેખાદમ આબુવાલા

Monday, December 5, 2011

કોણ ? – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
. તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
. તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
. તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
. તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
. તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
. તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
. તો મન મહીં થરક્યું તે કોણ ?
. સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

-જયેન્દ્ર શેખડીવાલા
એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

મળે. – મકરંદ દવે

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.
– મકરંદ દવે

Wednesday, August 31, 2011

ચર્ચા - સંજુ વાળા

જ્યાંથી પ્રગટી ત્યાં જ હજુ છે હોવા ના હોવાની ચર્ચા
દીપ તળેનું અંધારું છે હોવા ના હોવાની ચર્ચા

મેં ચીંધ્યું ને તેં ભાળ્યું એ બન્નેના કોઈ વચગાળામાં ,
સ્હેજ ઝબૂકતું ચાંદરણું છે હોવા ના હોવાની ચર્ચા
...
આખેઅખા શબ્દકોષમાં જેના ઉપર અંખ ઠરી તે
અરુ-પરુ કે અશુ-કશું છે હોવા ના હોવાની ચર્ચા

યુગોથી ચર્ચાય રહ્યાના કારણસર લાગે છે પુખ્ત ,
આમ સ્વભાવે સાવ શિશુ છે હોવા ના હોવાની ચર્ચા
- સંજુ વાળા

Sunday, August 21, 2011

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Sunday, June 5, 2011

ખીચડી.................- કૃષ્ણ દવે

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

- કૃષ્ણ દવે

ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ.......... – રમેશ પારેખ

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…

– રમેશ પારેખ

ગઝલ – રઈશ મણિયાર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

Friday, June 3, 2011

અઢી અક્ષરનું ચોમાસું - ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,

બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.



ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;

આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!



ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,

અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!



અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

આષાઢી સાંજનાં અંબર ગાજે...............- ઝવેરચંદ મેઘાણી

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે
...ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

અંબર ગાજે મેઘાડંબર ગાજે !
આષાઢી સાંજનાં અંબર ગાજે...............- ઝવેરચંદ મેઘાણી

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે..... - અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…
...
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…- અંકિત ત્રિવેદી

તું આવી હશે....- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.
...
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.....- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Saturday, May 28, 2011

મોંઘી પડી.............-જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
...
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

Wednesday, May 25, 2011

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો -
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

ચાલ્યો જવાનો સાવ..........મનોજ ખંડેરિયા

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને

માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં

ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે

હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં

એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ

નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ

ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.........મનોજ ખંડેરિયા

Tuesday, May 17, 2011

શ્રદ્ધાંજલિ ......રમેશ પારેખ ને ...આદીલ સાહેબ દ્વારા ....

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ

તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ



મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં

તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ



જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો

વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ



આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે

અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ



છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં

તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ



આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં

બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ



બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ

છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ



હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે

તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ



પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ

અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ



વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે

આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.



-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

Monday, May 16, 2011

ग़ज़ल

ढल गया आफ़ताब ऐ साक़ी
ला पिला दे शराब ऐ साक़ी

या सुराही लगा मेरे मुँह से
या उलट दे नक़ाब ऐ साक़ी
...
मैकदा छोड़ कर कहाँ जाऊँ
है ज़माना ख़राब ऐ साक़ी

जाम भर दे गुनाहगारों के
ये भी है इक सवाब ऐ साक़ी

आज पीने दे और पीने दे
कल करेंगे हिसाब ऐ साक़ी

ग़ज़ल

इससे पहले कि बात टल जाए
आओ इक दौर और चल जाए।

आँसुओं से भरी हुई आँखें
रोशनी जिस तरह पिघल जाए।
...
दिल वो नादान, शोख बच्चा है
आग छूने से जो मचल जाए।

तुझको पाने की आस के सर से
जिन्दगी की रिदा ना ढल जाए।

वक़्त, मौसम, हवा का रुख जाना
कौन जाने कि कब बदल जाए।

ग़ज़ल

नज़र नज़र से मिलाकर शराब पीते हैं
हम उनको पास बिठाकर शराब पीते हैं।

इसीलिए तो अँधेरा है मैकदे में बहुत
यहाँ घरों को जलाकर शराब पीते हैं।
...
हमें तुम्हारे सिवा कुछ नज़र नहीं आता
तुम्हें नज़र में सजा कर शराब पीते हैं।

उन्हीं के हिस्से आती है प्यास ही अक्सर
जो दूसरों को पिला कर शराब पीते हैं।

ग़ज़ल

कैसे-कैसे लोग हमारे जी को जलाने आ जाते हैं,
अपने-अपने ग़म के फ़साने हमें सुनाने आ जाते हैं।

मेरे लिए ये ग़ैर हैं और मैं इनके लिए बेगाना हूँ
फिर एक रस्म-ए-जहाँ है जिसे निभाने आ जाते हैं।
...
इनसे अलग मैं रह नहीं सकता इस बेदर्द ज़माने में
मेरी ये मजबूरी मुझको याद दिलाने आ जाते हैं।

सबकी सुनकर चुप रहते हैं, दिल की बात नहीं कहते
आते-आते जीने के भी लाख बहाने आ जाते हैं।
लुत्फ़ जो उसके इंतज़ार में है
वो कहाँ मौसम-ए-बहार में है।

हुस्न जितना है गाहे-गाहे में
कब मुलाकात बार-बार में है।
...
जान-ओ-दिल से मैं हारता ही रहूँ
गर तेरी जीत मेंरी हार में है।

ज़िन्दगी भर की चाहतों का सिला
दिल में पैवस्त मू के ख़ार में है।

क्या हुआ गर खुशी नहीं बस में
मुसकुराना तो इख़्तियार में है।
आँखों के इंतज़ार का दे कर हुनर चला गया,
चाहा था एक शख़्स को जाने किधर चला गया।

दिन की वो महफिलें गईं, रातों के रतजगे गए
कोई समेट कर मेरे शाम-ओ-सहर चला गया।
...
झोंका है एक बहार का रंग-ए-ख़याल यार भी,
हर-सू बिखर-बिखर गई ख़ुशबू जिधर चला गया।

उसके ही दम से दिल में आज धूप भी चाँदनी भी है,
देके वो अपनी याद के शम्स-ओ-क़मर चला गया

कूचा-ब-कूचा दर-ब-दर कब से भटक रहा है दिल,
हमको भुला के राह वो अपनी डगर चला गया।
मिल मिल के बिछड़ने का मज़ा क्यों नहीं देते?
हर बार कोई ज़ख़्म नया क्यों नहीं देते?

ये रात, ये तनहाई, ये सुनसान दरीचे
चुपके से मुझे आके सदा क्यों नहीं देते।
...
है जान से प्यारा मुझे ये दर्द-ए-मोहब्बत
कब मैंने कहा तुमसे दवा क्यों नहीं देते।

गर अपना समझते हो तो फिर दिल में जगह दो
हूँ ग़ैर तो महफ़िल से उठा क्यों नहीं देते।

સોનેટ ...– મકરંદ દવે.

પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
...
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
– મકરંદ દવે.

अहेमद फ़राज़

ऐसे चुप है कि ये मंज़िल भी कड़ी हो जैसे,
तेरा मिलना भी जुदाई की घड़ी हो जैसे।

अपने ही साये से हर गाम लरज़ जाता हूँ,
रास्ते में कोई दीवार खड़ी हो जैसे।
...
कितने नादाँ हैं तेरे भूलने वाले कि तुझे
याद करने के लिए उम्र पड़ी हो जैसे।

मंज़िलें दूर भी हैं, मंज़िलें नज़दीक भी हैं,
अपने ही पाँवों में ज़ंजीर पड़ी हो जैसे।

आज दिल खोल के रोए हैं तो यों खुश हैं ‘फ़राज़’
चंद लमहों की ये राहत भी बड़ी हो जैसे।

ચાલ મળીએ - બાલુભાઇ પટેલ

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.
...
કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમઝીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું , સમઝણ વિના.

- બાલુભાઇ પટેલ

નથી....ચિનુ મોદી.

કિનારા નથી ને નદી પણ નથી,
તને એવી ક્ષણ સાંપડી પણ નથી.

મને જીવવા એક બહાનું મળે,
કહે છે ખુદા, ઘાતકી પણ નથી.
...
અરીસા ઉપર ધૂળ જામી ગઈ,
ખરા છો તમે, ઝાપટી પણ નથી.

હતા જેમ જેવા જણાય અમે,
કદી જાત ને છાવરી પણ નથી.

તને કોઈ “ઈર્શાદ” કહેતું નથી,
ગઝલ લોહી રેડી લખી પણ નથી.

ચિનુ મોદી.

ख़ुमार बाराबंकवी

सुना है वो हमें भुलाने लगे है
तो क्या हम उन्हे याद आने लगे है

हटाए थे जो राह से दोस्तो की
तो पत्थर मेरे घर में आने लगे है
...
ये कहना थ उनसे मुहब्ब्त हौ मुझको
ये कहने मे मुझको ज़माने लगे है

कयामत यकीनन करीब आ गई है
"ख़ुमार" अब तो मस्ज़िद में जाने लगे है

ख़ुमार बाराबंकवी

Thursday, April 14, 2011

अच्छा तुम्हारे शहर का दस्तूर हो गया .....बशीर बद्र

अच्छा तुम्हारे शहर का दस्तूर हो गया
जिसको गले लगा लिया वो दूर हो गया

कागज में दब के मर गए कीड़े किताब के
दीवाना बे पढ़े-लिखे मशहूर हो गया

महलों में हमने कितने सितारे सजा दिये
लेकिन ज़मीं से चाँद बहुत दूर हो गया

तन्हाइयों ने तोड़ दी हम दोनों की अना
आईना बात करने पे मज़बूर हो गया

सुब्हे-विसाल पूछ रही है अज़ब सवाल
वो पास आ गया कि बहुत दूर हो गया

कुछ फल जरूर आयेंगे रोटी के पेड़ में
जिस दिन तेरा मतालबा मंज़ूर हो गया

Tuesday, April 12, 2011

પછી. - હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
મુલાકાત થઈ પછી.

- હરીન્દ્ર દવે

Sunday, April 10, 2011

સમજાયો. -હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.
...
સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

Thursday, April 7, 2011

સમજાવને. -અનિલ ચાવડા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
...
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા

ગુસ્સે થયા જો લોક - ‘ઘાયલ’

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
...
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

- ‘ઘાયલ’

આસપાસ - મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

- મનોજ ખંડેરિયા

Wednesday, April 6, 2011

શ્વાસ નામે પાંદડા ખરતાં રહ્યાં
હા ક્ષણેક્ષણ આપણે મરતાં રહ્યા

જીવવા જેવું કશુયે ક્યાં હતું...
જિંદગી લાદી ખભે ફરતાં રહ્યાં

આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં

જાતથેયે ક્યાં કદી નાતો રહ્યો ?
જાતથીયે કેટલું ડરતાં રહ્યાં..?

આયખાનાં સાવ કાણાં પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યાં

ક્યાં હતી ઠંડી... હવા પણ ક્યાં હતી..?
એ છતાં 'નારાજ' થરથરતા રહ્યા.... ચંદ્રેશ મકવાણા 'નારાજ'

Monday, April 4, 2011

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ
...
નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

- મનોજ ખંડેરિયા

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

- રાજેન્દ્ર શુક્લ

Saturday, March 19, 2011

હકીકત છે – જિગર જોષી ‘પ્રેમ

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે.

સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે.

બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.

સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે.

ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

- જિગર જોષી ‘પ્રેમ’
केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
...भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…
मीरांबाई

Sunday, March 13, 2011

ક્યાંક ઝરણાંની ઉદાસી - શ્યામ સાધુ

યસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ



ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

- શ્યામ સાધુ

Saturday, March 12, 2011

રોનેં ન દીયા. - સુદર્શન ‘ફાખિર’ સુદર્શન 'ફાખિર'

ઈશ્કમેં ગૈરતે જઝ્બાતનેં રોક લીયા,

વરના ક્યા બાતથી જીસને રોને ન દીયા.

આપ કહતેથે રોને સે ન બદલેંગે નસીબ

ઉમ્ર ભર આપકી ઈસ બાતનેં રોને ન દીયા

રોને વાલોંસે કહો ઉનકા ભી રોના રો લેં

જીનકી મજબૂરી-એ-હાલાતને રોનેં ન દીયા

તુજસે મિલકર હમેં રોના થા, બહુત રોના થા,

તંગી એ વક્ત એ મુલાકાતને રોને ન દીયા

એક દો રોજકા રોના હો તો રો લેં ‘ફાખિર’

હમકો હર રોજ કે સદમાતને રોનેં ન દીયા.

- સુદર્શન ‘ફાખિર’

જિંદગીની દડમજલ - વેણીભાઈ પુરોહિત઼

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,

ચાલવું, સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન!

થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે,

આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાંખવી

જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,

ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,

થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,

જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી,

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,

ફૂંક સુરીલી અને બંસી બેસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર,

ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

- વેણીભાઈ પુરોહિત઼

હજુયે યાદ છે -રઈશ મનીયાર

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર

એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં
એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં

એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી
લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી

ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર
એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર

એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ
એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ,

એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે
ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે.

કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ
હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ

જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે
લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે.

સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે
આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે.

- રઈશ મણીયાર

આપણું હોવુ હેંગઓવર જેવુ. - અદમ ટંકારવી

શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ.

આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ.

એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું.

પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું.

કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું.

- અદમ ટંકારવી

અમે ચાલતા થયાં.

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત,
હરપલ દરેક હાલ અમે ચાલતા થયાં.

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે,
એ પી લીધી શરાબ અને ચાલતા થયાં.

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી,
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાં.

કોઈ અજાણી રાત પરિચિત સ્થળે જડી,
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાં.

આ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી?
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયાં.

કિસ્મત મારું પાજી ! - લાલજી કાનપરિયા

ટચૂકડું એક ફૂલ ખીલે તો પતંગિયું થાય રાજી
અવસર એવા મળ્યા નહીં રે, કિસ્મત મારું પાજી !

જીવતર રાબેતા મુજબ છે, નથી આમ તો વાંધો,
શમણાં તેર તૂટે છે કેવળ એકાદું જ્યાં સાંધો !
...મન ખુદ છે અપરાધી અને મન ખુદ છે કાજી !
રે કિસ્મત મારું પાજી !

કાળ આખરે સરી ગયો ને સ્મરણો પણ ભૂંસાયા,
લીલો વૈભવ ઉડી ગયો ને ઊના વાયરા વાયા !
એક લાગણી કરમાતી ત્યાં ફૂટે બીજી તાજી !
રે કિસ્મત મારું પાજી !

- લાલજી કાનપરિયા

જ્યારે તારા Marriage થઇ જશે. - જીગ્નેશ અધ્યારૂ

બધી ઇચ્છાઓનું Miscarriage થઇ જશે,

મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે



નમણી નારની કાળી લટોમાં,

હરદમ અટક્યા કરતો તું.

ગોપી પાછળ કુંજગલીમાં,

‘કાન’ થઇ ભટક્યા કરતો તું.



હવે ઓછી આ ઝાંખીઓની Average થઇ જશે,

મિત્ર મારા, હવે તારા Marriage થઇ જશે.



સાસુ વહુના કુરુક્ષેત્રમાં,

ભીષ્મ શો ભટક્યા કરવાનો,

ટુકડે ટુકડે E.M.I માં,

ખુદને ભર્યા કરવાનો.



Celebration મોડી રાતના Heritage થઇ જશે,

મિત્ર મારા, જ્યારે તારા Marriage થઇ જશે.



સાસરીયા ને સંબંધીઓના,

નામો ભૂલ્યા કરવાનો.

બે છેડા ભેગા કરવામાં,

તું આખો ખૂલ્યા કરવાનો.



સુંદર ટકાઉ જમાઇની તારી Image થઇ જશે

મિત્ર મારા જ્યારે તારા Marriage થઇ જશે.



- જીગ્નેશ અધ્યારૂ

અમે ચાલતા થયાં. - ધ્રુવ ભટ્ટ

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત,
હરપલ દરેક હાલ અમે ચાલતા થયાં.

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે,
એ પી લીધી શરાબ અને ચાલતા થયાં.

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી,
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાં.

કોઈ અજાણી રાત પરિચિત સ્થળે જડી,
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાં.

આ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી?
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયાં.
- ધ્રુવ ભટ્ટ

Tuesday, March 8, 2011

तीरगी चांद के ज़ीने से सहर तक पहुँची
ज़ुल्फ़ कन्धे से जो सरकी तो कमर तक पहुँची

मैंने पूछा था कि ये हाथ में पत्थर क्यों है
बात जब आगे बढी़ तो मेरे सर तक पहुँची

मैं तो सोया था मगर बारहा तुझ से मिलने
जिस्म से आँख निकल कर तेरे घर तक पहुँची

तुम तो सूरज के पुजारी हो तुम्हे क्या मालुम
रात किस हाल में कट-कट के सहर तक पहुँची

एक शब ऐसी भी गुजरी है खयालों में तेरे
आहटें जज़्ब किये रात सहर तक पहुँची
राहत इन्दोरी

रो पड़े सुदर्शन फाकिर

उलफत का जब किसी ने लिया नाम रो पड़े
अपनी वफ़ा का सोच के अन्जाम रो पड़े
हर शाम ये सवाल मुहब्बत से क्या मिला
हर शाम ये जवाब के हर शाम रो पड़े
राह-ए-वफ़ा में हमको खुशी की तलाश थी
...दो गाम ही चले थे के हर गाम रो पड़े
रोना नसीब में है तो औरो.न से क्या गिला
अपने ही सर लिया कोई इल्ज़ाम रो पड़े
सुदर्शन फाकिर

Saturday, March 5, 2011

હવાના હોઠ પર – ફિલિપ કલાર્ક

બંધ બારી બારણે બેઠા હતા,
કે અનોખા તારણે બેઠા હતા.
ના કદી જેનું નિવારણ થૈ શક્યું,
એક એવા કારણે બેઠા હતા.

જોત જોતામાં થયું મોં સૂઝણું,
સ્વપ્નના સંભારણે બેઠા હતાં,
પથ્થરો ક્યારેક તો ગાતા થશે,
એમ સમજી બારણે બેઠા હતા.

કોક કોમળ કંઠથી ગઝલો સરે,
રંગ ભીના ફાગણે બેઠા હતા.
હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું,
પાસ પાસે આપણે બેઠા હતા,

છે હવાના હોઠ પર ખામોશીઓ,
શબ્દના ઉચ્ચારણે બેઠા હતા.

– ફિલિપ કલાર્ક

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !

હરિ, બેઉ આંખોનું મૂકો આંધણ તો શું થાય ?
ઊઠે આછી વરાળ ત્યાં તો ઝળઝળિયાં બંધાય,
એવામાં વરસાદ પડે તો કેમ ન હો એ સૂકો ?

હરિ, તમે દુષ્કાળ થવાનું કહીને બનતા રેલ,
જીવવાનું તો સમજ્યા, મરવાનું તો રાખો સ્હેલ,
હરિ, જેમ બીજું ભૂલો છો તેમ મને પણ ચૂકો-

માણસના સો વાંક હો તો પણ માણસ છે એ સમજો,
તોડફોડનો શોખ જ હો તો બીજી વસ્તુથી રમજો,
પણ, માણસ જો તોડી બેઠા તો ખુદ થાશો ભૂકો…

હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !

– રવીન્દ્ર પારેખ

Tuesday, February 8, 2011

મળે. જલન માતરી

જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.

નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.

જીવનમાં એજ આશ છે મન હો તો કર કબૂલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.

સંધ્યા-ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.

છે દિલની માંગ કે મળે, છુટકારો ગમ થકી
છે ગમની માંગ એ કે ‘જલન’નું જિગર મળે.
જલન માતરી

Saturday, February 5, 2011

अपने हाथों की लकीरों में ‘क़तील’

अपने हाथों की लकीरों में बसा ले मुझको
मैं हूँ तेरा तो नसीब अपना बना ले मुझको।

मुझसे तू पूछने आया है वफ़ा के माने
ये तेरी सादा-दिली मार ना डाले मुझको।

ख़ुद को मैं बाँट ना डालूँ कहीं दामन-दामन
कर दिया तूने अगर मेरे हवाले मुझको।

बादाह फिर बादाह है मैं ज़हर भी पी जाऊँ ‘क़तील’
शर्त ये है कोई बाहों में सम्भाले मुझको।

‘क़तील’

પડછાયો, - ગની દહીંવાળા

તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો….તમે….

તમે વિહરનારા અજવાળે,હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી;

શીતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઊભા ત્યાં હું પથરાયો….તમે…

રાતદિવસના ગોખે દીવડા નિજ હાથે પ્રગટાવો !
એથી અદકું ઓજસ લૈને અહીં વિહરવા આવો;

લખલખ તેજે નયન ઝગે તમ,
કાજળ થૈને હું અંજાયો….તમે…

આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;

પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
આજ મને સાચો સમજાયો ! તમે….

- ગની દહીંવાળા

Saturday, January 29, 2011

અમારો ચાલુ રહ્યો પ્રવાસ! રઘુવીર ચૌધરી

અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ!
રણ જેવા આ મનમાં
લીલા વન શાં તમને સાથે લીધા,
તમે પાઓ છો તેથી તો
મેં છતે જાણતે મૃગજળ પીધાં.
હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ.

જે પગલાંમાં કેડી દેખી
દૂર દૂરની મજલ પલાણી;
પાછા વળનારાની પણ છે
એ જ નિશાની, આખર જાણી!
હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ!
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!


રઘુવીર ચૌધરી

Thursday, January 13, 2011

હતું – હરિશ્ચન્દ્ર જોશી

હતું – હરિશ્ચન્દ્ર જોશી


આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું.
તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ?

નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !

જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને,
એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું;

રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું;

હું થીજેલી યાદ જેવી ભીંતની બારી બન્યો,
ખૂલવું ને બંધ થાવું એટલું સમરણ હતું;

નિષ્પલક તાક્યા કરે છે પંથને આંખો હવે,
શુષ્કતાની પ્રક્રિયામાં એ પ્રથમ પગરણ હતું.

– હરિશ્ચન્દ્ર જોશી

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

- રમેશ પારેખ

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા,
રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા.

અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં,
આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા.

આ કેટલામી હાર પછીથી ખબર પડી,
અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા

મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે,
આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા

પથરાળ લાગતા હતા જે આદમી અહીં
પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા

રુઝાઈ જો ગયા તો થયું એકલો પડ્યો,
મિસ્કીન કાળજાના અજબ ઘાવ નીકળ્યા.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Tuesday, January 11, 2011

ઐસા ત્રાટક – રાજેન્દ્ર શુકલ

દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

- રાજેન્દ્ર શુક્લ

Tuesday, January 4, 2011

ઝાડ એના પાંદડાંને પૂછે છે - રમેશ પારેખ

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

- રમેશ પારેખ