Search This Blog

Saturday, March 5, 2011

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !

હરિ, બેઉ આંખોનું મૂકો આંધણ તો શું થાય ?
ઊઠે આછી વરાળ ત્યાં તો ઝળઝળિયાં બંધાય,
એવામાં વરસાદ પડે તો કેમ ન હો એ સૂકો ?

હરિ, તમે દુષ્કાળ થવાનું કહીને બનતા રેલ,
જીવવાનું તો સમજ્યા, મરવાનું તો રાખો સ્હેલ,
હરિ, જેમ બીજું ભૂલો છો તેમ મને પણ ચૂકો-

માણસના સો વાંક હો તો પણ માણસ છે એ સમજો,
તોડફોડનો શોખ જ હો તો બીજી વસ્તુથી રમજો,
પણ, માણસ જો તોડી બેઠા તો ખુદ થાશો ભૂકો…

હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !

– રવીન્દ્ર પારેખ

No comments:

Post a Comment