Search This Blog

Monday, September 17, 2012

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ ! ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ ! આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય; કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ ! અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ ! પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ ! સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ ! બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું ! ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ ! -ભગવતીકુમાર શર્મા
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ આપણે યે સરવાનું ઘાસમાં. એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને વરસોના રાફડાની ધૂળ ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે વીતકના મોગરાનું ફૂલ હોવાના રંગ ઝરી જાય બધા નિશ્વાસે આપણે સુવાસ લીએ શ્વાસમાં. આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે આપણે ન ભીંત ઊભી અંધ પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ આપણો આ ઘરથી સંબંધ ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના પંખી તો ઊડતું આકાશમાં. કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ આપણે યે સરવાનું ઘાસમાં. - મનોજ ખંડેરિયા