સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા,
રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા.
અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં,
આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા.
આ કેટલામી હાર પછીથી ખબર પડી,
અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા
મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે,
આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા
પથરાળ લાગતા હતા જે આદમી અહીં
પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા
રુઝાઈ જો ગયા તો થયું એકલો પડ્યો,
મિસ્કીન કાળજાના અજબ ઘાવ નીકળ્યા.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
No comments:
Post a Comment