Search This Blog

Sunday, June 5, 2011

ખીચડી.................- કૃષ્ણ દવે

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

- કૃષ્ણ દવે

ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ.......... – રમેશ પારેખ

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…

– રમેશ પારેખ

ગઝલ – રઈશ મણિયાર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

Friday, June 3, 2011

અઢી અક્ષરનું ચોમાસું - ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,

બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.



ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;

આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!



ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,

અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!



અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!



ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

આષાઢી સાંજનાં અંબર ગાજે...............- ઝવેરચંદ મેઘાણી

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે
...ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

અંબર ગાજે મેઘાડંબર ગાજે !
આષાઢી સાંજનાં અંબર ગાજે...............- ઝવેરચંદ મેઘાણી

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે..... - અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…
...
સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…- અંકિત ત્રિવેદી

તું આવી હશે....- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.
...
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.....- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’