Search This Blog

Thursday, February 11, 2010

અહીં મારે તો જીવવાના વાંધા .. -કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,

અને ઉપરથી ગોપીઓ ને રાધા..

અહીં મારે તો જીવવાના વાંધા ..



આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?

ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?

આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..



પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ? એનું કારણ એ રાજાની રાણી

નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી

ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે

ને તોય કરવાના રોજ રોજ સાંધા?

અહીં મારે તો જીવવાના વાંધા ..



ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી

મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી

ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..



કૃષ્ણ દવે

No comments:

Post a Comment