આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિને
ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
તમે જેને અંત માનો છો ને ? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.
પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
- તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.
રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
- તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.
કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
- વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.
કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?
ગાઢ અંધારૂ છે એ ય સાચું -
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…
.
કૃષ્ણ દવે
No comments:
Post a Comment