કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે ?
કેમ છો ? સારું છે ?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;
કરમાતાં ફૂલ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે ?
કેમ છો ? સારું છે ?
- ચિનુ મોદી
No comments:
Post a Comment