Search This Blog

Saturday, August 14, 2010

આ હથેળી - -રમેશ પારેખ

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

મને આ નગરમાં નિરાધાર છોડી
રસ્તા બધા કોની પાછળ ગયા છે

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે
હું છું ને ચારે તરફ ડુંગરા છે

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે.

-રમેશ પારેખ

No comments:

Post a Comment