Search This Blog

Wednesday, October 6, 2010

તો આવ્યાં કને. - ચંદ્રકાંત શેઠ

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત ;

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

- ચંદ્રકાંત શેઠ

No comments:

Post a Comment