લખવું છે નામ રેત પર કોને ?
છે વફાદાર જળલહેર કોને ?
કોણ કોને છળે, ખબર કોને ?
રહગુજર કોને, રાહબર કોને ?
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે, નિત નજર કોને ?
મ્હેકતી આંખ, મ્હેકતા દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને ?
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને ?
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને ?
જાણું છું શ્વાસની દગાબાજી,
છે ભરોસો હવા ઉપર કોને ?
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને ?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને ?
- મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment