Search This Blog

Tuesday, July 20, 2010

નથી શકતો - "ઘાયલ"

અમુક વાતો હૃદયની બા'ર હું
લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી
નથી શકતો

કોઇને રાવ કે ફરિયાદ
સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી
નથી શકતો

કળી ઉરની હું વિકસાવી કે
કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ
લાવી નથી શકતો

કોઈપણ દ્રશ્યથી દિલને હું
બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી
નથી શકતો

ન જાણે શાનમાં શી વાત સમજાવી
ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં
સમજાવી નથી શકતો

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય
છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું
અટકાવી નથી શકતો

નિરંતર પાય છે કોઈ, નિરંતર
પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી
નથી શકતો

નથી સમજાતુ આ છે મનની
નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં
આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી
મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી
નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને
કહી દે દિલ
કે "ઘાયલ" પી રહ્યો છે જાવ - એ
આવી નથી શકતો.

- "ઘાયલ"

Sunday, July 18, 2010

છે તોર એનો એવો કોઈની પડી નથી

છે તોર એનો એવો કોઈની પડી નથી
આ શહેરમાં જાણે કે બીજી છોકરી નથી
અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી
પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
એ કાચની તકતી જ ફકત આરસી નથી
એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી
એણે તેં કેટલી તો ફટાવી દીધી ’અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી
નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

Wednesday, July 14, 2010

મહોબ્બતમાં હવે મારો પરિચય --બેફામ

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

-બેફામ

Monday, July 12, 2010

આવ્યાં હવાની જેમ રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટુલી મ્હેંક સમય પૂછતો ફરે -
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

મરવા પણ નથી દેતાં – બરકત વિરાણી “બેફામ”.

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– બરકત વિરાણી “બેફામ”.

Sunday, July 4, 2010

વિદાય - મનોજ ખંડેરિયા

બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

- મનોજ ખંડેરિયા

તો કે’ટો ની. - ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

- ડો. રઇશ મનીયાર

નડે છે ! - ડૉ. મહેશ રાવલ

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !

- ડૉ. મહેશ રાવલ

વરસાદ વાંચું છું! - કરસનદાસ લુહાર

ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

- કરસનદાસ લુહાર

Friday, July 2, 2010

સ્વીટ હાર્ટ ! -રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

Thursday, July 1, 2010

હું તો બસ ફરવા આવ્યો છું - નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા
ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી કે
ચાહી શકું ચાર ઘડી ને ગાઇ શકું
બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું
આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

- નિરંજન ભગત

- હરીન્દ્ર દવે

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

- હરીન્દ્ર દવે

તું જો આજે મારી સાથે જાગશે; -અદી મિરઝાં

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

આ વાદળ વરસે છે કે તું ? -તુષાર શુક્લ

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે, આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,
કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં
શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી
છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર
સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત
કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.