Search This Blog

Sunday, June 27, 2010

આવ્યાં હવાની જેમ -રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટુલી મ્હેંક સમય પૂછતો ફરે -
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

- રાજેન્દ્ર શુક્લ
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં.
ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.
ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.
ફરતું હશે કોઇક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.
ઇશ્વર, આ તારી પીળી બુલંદીની શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.

Monday, June 21, 2010

જિતુ પુરોહિત.

કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
થઇ જા પછી સાવ હળવો વજનમાં.

તમારાથી જુદો નથી હું ઓ સંતો !
લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.

ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
નથી એકે હોવાનું ગજવું કફનમાં.

અહીં જાત સાથે થયો શ્વાસ મઘમઘ ;
મહેક એવી કેવી ભળી આ પવનમાં.

રહસ્યો બધાં એનાં પામી જવાને;
ફર્યો ખૂબ રણમાં ને ભટક્યો હું વનમાં.

ફકીરી અમીરીથી ચડિયાતી લાગી;
કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.

ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
છે અસબાબ સરખો બધાના ચમનમાં.

-જિતુ પુરોહિત.

Monday, June 7, 2010

એમ પુછી ને થાય નહિ પ્રેમ

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી
એક નો પર્યાય થાય બીજુ
આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજુ

ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
અન્તે તો હેમ નુ હેમ,
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
કાયમ ન રહેશો પ્રવાસી
મન મુકી મોરશો તો મળશે મુકામ
એનુ સરનામુ સામી અગાશી

મનગમતો મોગરો મળશે વટાવશો
વાન્ધાની વાડ જેમ જેમ!
એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

વરસાદ ભીંજવે

"આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે...

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે."

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

- મનોજ ખંડેરિયા

ગોરખ આયા, - રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !

લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !

- રાજેન્દ્ર શુક્લ

રઈશ મનીઆર

પન્ની ને પહટાય ટો કેટો ની,
ને વાહન અઠડાય ટો કેટો ની

પહેલા ટો કેટો છે, ટને પાપન પર ઊંચકી લૅઊ
પછી માથે ચડી જાય ટો કેટો ની
...
હમ, ટુમ ઓ ટન્હાઇ, બધું ઠીક મારા ભૈ
પછી પોયરા અઠડાય ટો કેટો ની

'ટારી આંખો ના આભ માં પંખી ના ટોરા'
પછી ડોરા ડેખાય ટો કેટો ની

પહેલા તો પ્રેમ જાણે રેહમ ની ડોરી
પછી ત્યાં લૂગડાં હૂકવાય ટો કેટો ની

~ રઈશ મનીઆર