Search This Blog

Thursday, October 29, 2020

વૈભવની રાત હોઉં, કે દુઃખની સવાર દોસ્ત, તું તો સમય બનીને મને આવકાર દોસ્ત. તું અર્થ શોધશે તંઈ હું સ્પષ્ટ થૈ જઈશ, બદલામાં એક શબ્દ દઈ દે હકાર દોસ્ત. આ પાનખર તો ગેરસમજ ઋતુની હશે, હું આંખમાં લઈને ફરું છું બહાર દોસ્ત. જેઓ ગયા છે દૂર કિનારે મૂકી મને, ભરતી બનીને આવશે એ પારાવાર દોસ્ત. દુનિયા મને જુએ છે ને દુનિયાને જોઉં હું, નીકળી ગયો છું આયનાની આરપાર દોસ્ત. પાંપણને સ્થિર રાખી કશું પાઠવી તો જો, વિસ્મયમાં ઓતપ્રોત તું છે એ જ પ્યાર દોસ્ત. ભારણની ભીંત તોડીને ભાગી ન જા ‘ગની’, મારા ખભેથી હેઠો મને પણ ઉતાર દોસ્ત. – ‘ગની’ દહીંવાળા
બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને. ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ, સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. -રમેશ પારેખ

Monday, September 17, 2012

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ ! ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ ! આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય; કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ ! અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ ! પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ ! સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ ! બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું ! ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ ! -ભગવતીકુમાર શર્મા
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ આપણે યે સરવાનું ઘાસમાં. એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને વરસોના રાફડાની ધૂળ ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે વીતકના મોગરાનું ફૂલ હોવાના રંગ ઝરી જાય બધા નિશ્વાસે આપણે સુવાસ લીએ શ્વાસમાં. આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે આપણે ન ભીંત ઊભી અંધ પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ આપણો આ ઘરથી સંબંધ ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના પંખી તો ઊડતું આકાશમાં. કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ આપણે યે સરવાનું ઘાસમાં. - મનોજ ખંડેરિયા

Friday, December 9, 2011

લે ! - - અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

- અમૃત ‘ઘાયલ’

ઘેરો થયો ગુલાલ - જવાહર બક્ષી

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે, - - ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

- ભગવતીકુમાર શર્મા

કેમ છે? - નયન દેસાઈ

હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?

કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?

કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.

એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.

- નયન દેસાઈ

અમે ચુપ થઈ ગયાં છીએ – મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

- જગદીશ જોષી

થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

- શેખાદમ આબુવાલા

Monday, December 5, 2011

કોણ ? – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
. તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
. તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
. તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
. તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
. તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
. તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
. તો મન મહીં થરક્યું તે કોણ ?
. સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

-જયેન્દ્ર શેખડીવાલા
એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

મળે. – મકરંદ દવે

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.
– મકરંદ દવે

Wednesday, August 31, 2011

ચર્ચા - સંજુ વાળા

જ્યાંથી પ્રગટી ત્યાં જ હજુ છે હોવા ના હોવાની ચર્ચા
દીપ તળેનું અંધારું છે હોવા ના હોવાની ચર્ચા

મેં ચીંધ્યું ને તેં ભાળ્યું એ બન્નેના કોઈ વચગાળામાં ,
સ્હેજ ઝબૂકતું ચાંદરણું છે હોવા ના હોવાની ચર્ચા
...
આખેઅખા શબ્દકોષમાં જેના ઉપર અંખ ઠરી તે
અરુ-પરુ કે અશુ-કશું છે હોવા ના હોવાની ચર્ચા

યુગોથી ચર્ચાય રહ્યાના કારણસર લાગે છે પુખ્ત ,
આમ સ્વભાવે સાવ શિશુ છે હોવા ના હોવાની ચર્ચા
- સંજુ વાળા

Sunday, August 21, 2011

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…